ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર જિલ્લામાં અસહ્ય બફારો અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીજી તરફ, સોમનાથ પંથકના ખેડૂતોએ ખરીફ પાકની વાવણી તો પૂર્ણ કરી દીધી હતી, પરંતુ પાકના વિકાસ માટે બીજા રાઉન્ડના વરસાદની અત્યંત જરૂરિયાત હતી. જો વરસાદ વધુ ખેંચાયો હોત તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી.

ગીર સોમનાથના વાતાવરણમાં પલટો

પરંતુ આજે વહેલી સવારથી જ ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેરાવળ, સોમનાથ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં ધોધમાર સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો. કલાકો સુધી વરસેલા અનરાધાર વરસાદના કારણે વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓની શેરીઓમાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા 

આ વરસાદ સોમનાથ પંથકના ઊભા પાક માટે સોના સમાન સાબિત થયો છે. વાવણી બાદ મુરઝાઈ રહેલા કપાસ, મગફળી સહિતના પાકોને આ વરસાદથી નવું જીવન મળ્યું છે, જેને પગલે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. હવામાન વિભાગની સિસ્ટમ સક્રિય થતાં આગામી સમયમાં પણ ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: ક્રાઈમ બ્રાન્ચનું એન્ટી ડ્રોન એક્ટિવ, મંજૂરી વગર ડ્રોન ઉડાડનારાઓ પર થશે સીધી એક્શન