અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને ઉત્સાહ અને ભક્તિનો માહોલ ચરમસીમાએ છે. રથયાત્રાના આ વિશાળ પર્વ દરમિયાન લાખોની જનમેદની ઉમટતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને પણ હાઈટેક અને અતિ આધુનિક સ્તરે લઈ જવામાં આવી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે સુરક્ષામાં ચૂક ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વહેલી સવારથી જ ફૂલ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

જગન્નાથની 149મી રથયાત્રાને લઈને ઉત્સાહ

આ વર્ષની રથયાત્રામાં જમીની સુરક્ષાની સાથે સાથે આકાશી સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અદ્યતન 'એન્ટી ડ્રોન ટેકનોલોજી' વહેલી સવારથી જ સમગ્ર રૂટ પર એક્ટિવ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી રથયાત્રાના રૂટની આસપાસના સંવેદનશીલ વિસ્તારો પર આકાશમાંથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેનું મુખ્ય મોનિટરિંગ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ ખાતે જ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પળેપળની હિલચાલ પર સીધી નજર રાખી રહ્યા છે.

રથયાત્રાની આકાશી સુરક્ષા લોખંડી

પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે રથયાત્રાના સમગ્ર રૂટ પર સત્તાવાર મંજૂરી વિના કોઈપણ ખાનગી ડ્રોન ઉડાડી શકાશે નહીં. જો મોનિટરિંગ દરમિયાન આકાશમાં કોઈ પણ બિનઅધિકૃત કે શંકાસ્પદ ડ્રોન ઉડતું દેખાશે, તો એન્ટી ડ્રોન ગન અને સિસ્ટમની મદદથી તેને હવામાં જ ન્યુટ્રલાઈઝ (ડી-એક્ટિવેટ) કરી દેવાશે એટલું જ નહીં, પરંતુ તે ડ્રોન ઓપરેટ કરનાર શખ્સને તાત્કાલિક ઝડપી પાડી તેની સામે કડક કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

આ પણ વાંચો: Kheralu: ઇન્દિરાનગરમાં બાળકોના સામાન્ય ઝઘડામાં બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો, હિંસક ઘટનામાં 4 લોકો લોહીલુહાણ