ખેરાલુ શહેરમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમના લોકો વચ્ચે મોટો ઝઘડો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં રમી રહેલા નાના બાળકો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, આ તકરારની અદાવતમાં બંને પક્ષના મોટા વડીલો અને શખ્સો પણ મેદાનમાં આવી ગયા હતા અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સામાન્ય બાબતમાં ઝઘડો થયો
વાતાવરણ વણસતાં જ બંને પક્ષો તરફથી એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પથ્થરમારાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારની બજારો બંધ થઈ ગઈ હતી અને સ્થાનિકોમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પથ્થરો વાગવાના કારણે બંને પક્ષના મળીને કુલ 4 જેટલા વ્યક્તિઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
