ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં હવે સ્થાનિક પોલીસ અધિકારીઓ પર મોટી તવાઈ આવી છે. આ સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે DYSPની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક પોલીસ બેડાના 2 PI અને 3 PSI સહિત કુલ 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાયા છે.
ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ
આ કાર્યવાહીના ભાગરૂપે LCBના ઇન્ચાર્જ PI એસ.વી. રાજપૂત, વેરાવળ સીટી PI જે.એન. ગઢવી તેમજ LCBના PSI એચ.એલ. જેબલીયા, LCBના જ PSI એ.સી. સિંધવ અને રામભરોસા પોલીસ ચોકીના PSI પ્રજાપતિને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. વન-ડેમાં આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ સામે થયેલી આ કડક કાર્યવાહીથી ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.
21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરાયા હતાં
ગીર સોમનાથના વેરાવળમાં ગત 8 જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ક્લબ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.આ દરોડા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેવા માટે PSIને હવામાં ૨ રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.આ ગંભીર ઘટના સંદર્ભે પોલીસે 40 નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને અનેક મહિલા અને પુરુષ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ પકડાયેલા આરોપીઓ પૈકી 21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તમામના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.આ ઘટના બાદ પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat News: યુરિયા ખાતરના ડાયવર્ઝનનું કૌભાંડ ઝડપાયું, 1.19 લાખની કિંમતની 404 બેગનો જથ્થો સીઝ