ખેડૂતો માટે સરકાર દ્વારા અપાતા સબસિડીયુક્ત નીમકોટેડ યુરિયા ખાતરને ખોટા નામે બિલ બનાવી ઔદ્યોગિક વપરાશ માટે સપ્લાય કરવાનું એક મોટું કૌભાંડ સુરતમાં સરકારી કૃષિ વિભાગની ટીમે ઝડપી પાડયું છે.ઉધના બમરોલી રોડ પર આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડા પાડીને રૂ.119880ની કિંમતનો 405 બેગ સરકારી ખાતરનો જથ્થો સીઝ કરાયો છે.આ મામલે ખટોદરા પોલીસ મથકે દિલ્હી અને સુરતની પેઢીઓ સામે ગુનો નોંધાયો છે.

બેગના જથ્થા અંગે શંકા જતાં સેમ્પલ લેવાયા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,નાયબ ખેતી નિયામક વિશાલકુમાર કોરાટની સંયુક્ત રકોડ ટીમે ઉધના બમરોલી રોડ સ્થિત આર.એન.ઈન્ટરનેશનલ પેઢીમાં તપાસ કરી હતી.ત્યારે ટેક્નિકલ ગ્રેડ યુરિયાના નામે સંગ્રહ કરાયેલા ગુલાબી રંગની બેગના જથ્થા અંગે શંકા જતાં સેમ્પલ લેવાયા હતા.બારડોલી અને ચેન્નાઈની સરકારી લેબોરેટરીમાં કરાયેલા પરીક્ષણમાં નીમ ઓઈલ પોઝિટિવ આવતા,આ જથ્થો ખેડૂતો માટેનું જ સબસિડીયુક્ત યુરિયા હોવાનું સાબિત થયું હતું. 

આવી કોઈ પેઢી અસ્તિત્વમાં જ નથી

તપાસમાં ખૂલ્યું હતું કે આ જથ્થો ભેસ્તાનની શ્રી શ્યામ ટ્રેડર્સના નામે ખરીદાયો હતો, પરંતુ તે સરનામે આવી કોઈ પેઢી અસ્તિત્વમાં જ નથી.ખોટા નામે બિલ બનાવી આ આખું કૌભાંડ આચરવામાં આવતું હતું, જેના તાર દિલ્હીની ગ્લોબલ બેકેટ એન્ટરપ્રાઇઝિસ સાથે પણ જોડાયેલા છે. ખટોદરા પોલીસે રાજ હેમંત ડોક્ટર, નટવરલાલ નાયક, મંથન ડોકટર, હિમાંશુ જોશી સહિત દિલ્હીની પેઢીના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાય ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! તમારા નળમાં આવતું પાણી પીવા લાયક નહીં હોવાનો ઘટસ્ફોટ