ગીર સોમનાથ જિલ્લાના જસાધાર રેન્જ હેઠળ આવતા નાના સમઢિયાળા ગામે વન્યજીવ સુરક્ષાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગામની સીમમાં આવેલા એક ખુલ્લા કૂવામાં 2 થી 3 વર્ષની વયનો એક યુવાન એશિયાટીક સિંહ અચાનક ખાબક્યો હતો. કૂવામાંથી અવાજ આવતાં જ સ્થાનિક ખેડૂતો અને સીમ વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કૂવામાં સિંહ પડેલો જોઈ તુરંત જ ગીર પૂર્વ વન વિભાગને જાણ કરી હતી.

કૂવામાં પડેલા સિંહનો બચાવ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જસાધાર અને તુલસીશ્યામ રેન્જનો વન વિભાગનો કાફલો રેસ્ક્યૂ ઇક્વિપમેન્ટ્સ અને વાહનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.વન વિભાગના અધિકારીઓ અને ટ્રેકર્સની ટીમે સ્થાનિક ગામલોકોના સહયોગથી અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાંથી સિંહને કોઈ પણ જાતની ઈજા ન પહોંચે તે રીતે રેસ્ક્યૂ કેજ (પાંજરૂ) અને દોરડાની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

વન વિભાગનું સફળ રેસ્ક્યૂ

કૂવામાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ સિંહને પ્રાથમિક આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર અર્થે તુરંત જ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.તબીબો અને વન સ્ટાફ દ્વારા સિંહના શારીરિક સ્વાસ્થ્ય અને હલનચલન પર સતત નજર રાખવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયા બાદ તેને ફરી ગીરના જંગલમાં મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot: 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન; નૌ-સેનાનું બેન્ડ રહેશે ખાસ આકર્ષણ