દીપોત્સવના મિની વેકેશન અને નૂતન વર્ષના મંગલમય પ્રારંભ નિમિત્તે દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ ગણાતા તીર્થધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો અવિરત મહાસાગર ઊમટી પડ્યો છે. દિવાળીના બીજા દિવસે તથા બેસતા વર્ષની પાવન વેળાએ સમગ્ર મંદિર પરિસર શિવભક્તોના ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નારાથી ગુંજી ઊઠ્યું હતું. નૂતન વર્ષની શુભ શરૂઆત સોમનાથ દાદાના દિવ્ય આશીર્વાદ મેળવીને કરવા માટે સમગ્ર ગુજરાત ઉપરાંત દેશભરમાંથી લાખો પ્રવાસીઓ સાગરકાંઠે પ્રભાસ પાટણ પહોંચ્યા છે. આટલી પ્રચંડ જનમેદની વચ્ચે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટના સુચારુ અને આધુનિક વ્યવસ્થાપનને કારણે શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વિના માત્ર 15 મિનિટમાં શિવલિંગના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

ભારે ભીડ સામે સોમનાથ ટ્રસ્ટનું માઈક્રો-મેનેજમેન્ટ

 લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હોવા છતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી મલ્ટી-લેન ઝિગઝેગ રેલિંગ્સ અને હોલ્ડિંગ એરિયાના કારણે ભીડ નિયંત્રણ અત્યંત સરળ બન્યું છે. ભક્તો કતારમાં સતત આગળ વધતા રહેતા હોવાથી પ્રવેશદ્વારથી ગર્ભગૃહ સુધી પહોંચવામાં માત્ર 15 મિનિટ જેટલો જ સમય લાગે છે. પોલીસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સેંકડો સુરક્ષાકર્મીઓ, સ્વયંસેવકો અને મહિલા ગાર્ડ્સ પરિસરમાં સતત ખડેપગે રહીને સિનિયર સિટીઝન, દિવ્યાંગો અને નાના બાળકોવાળા પરિવારોને સહાય પૂરી પાડી રહ્યા છે.કતારમાં ઊભેલા ભક્તો માટે પીવાનું ઠંડું પાણી, છાંયડાની વ્યવસ્થા, પગરખાં કેન્દ્ર અને લાઈવ એલઈડી સ્ક્રીનની ઉત્તમ સુવિધા ગોઠવવામાં આવી છે, જેથી તહેવારના દિવસોમાં દર્શનાર્થીઓને જરાય હાલાકી ન ભોગવવી પડે.

આસ્થા, ભક્તિ અને સમુદ્ર કિનારાનો અનોખો ત્રિવેણી સંગમ

નૂતન વર્ષે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પરિવારો પોતાના આગામી વર્ષની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.મંદિર પરિસરની સાથે સાથે સોમનાથ સમુદ્ર દર્શન પથ (પ્રોમેનાડ), ચોપાટી, સાઉન્ડ એન્ડ લાઇટ શો તેમજ નજીકના ભાલકા તીર્થ અને ત્રિવેણી સંગમ ખાતે પણ પર્યટકોનો પ્રચંડ ધસારો જોવા મળી રહ્યો છે.વેકેશનના કારણે ગીર સોમનાથ પંથકની તમામ હોટલો, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે, જેનાથી સ્થાનિક વેપાર-રોજગારમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો: Rajkot: હાથીખાનામાં રાજકીય પીઠબળ ધરાવતા બે જૂથો વચ્ચે મારામારી અને ફાયરિંગની ચર્ચા, હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં