રાજકોટ શહેરના સંવેદનશીલ ગણાતા હાથીખાના વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રાજકીય પીઠબળ ધરાવતા બે જૂથો વચ્ચે થયેલી સામસામેની હિંસક મારામારી અને કથિત ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી છે. એક જ કોમના બે જૂથો વચ્ચે કોઈ જૂની અદાવત કે વર્ચસ્વની લડાઈમાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બબાલ એટલી હદે વણસી ગઈ હતી કે હથિયારો સાથે મારામારી થઈ હોવાની તેમજ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો ચર્ચાની એરણે ચડી છે. સૌથી મોટો ધડાકો એ છે કે આ સમગ્ર વિવાદમાં એક વગદાર રાજનેતાના ભત્રીજાનું નામ ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે, જ્યારે સામા પક્ષે પણ ભારે રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓ સંડોવાયેલી હોવાથી ઘટનાને સત્તાવાર દફતરે ચડાવવાને બદલે અંદરખાને દબાવી દેવાના તખ્તા ગોઠવાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હાથીખાના વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારી 

હાથીખાનામાં થયેલી આ ઉગ્ર બોલાચાલી અને મારામારીમાં સ્થાનિક કક્ષાએ જાણીતા રાજનેતાના સગા ભત્રીજાનું નામ ચર્ચામાં આવતાં મામલો હાઈપ્રોફાઈલ બની ગયો છે. એક જ કોમના બે અલગ-અલગ જૂથો, જેઓ બંને તરફથી રાજકીય વગ અને પીઠબળ ધરાવે છે, તેઓ આમને-સામને આવી જતાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.ઘટના દરમિયાન માહોલ ડરાવવા માટે હવામાં ગોળીબાર (ફાયરિંગ) કરવામાં આવ્યો હોવાની વિગતો સ્થાનિક સ્તરે આગની જેમ ફેલાઈ ગઈ છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ગઈકાલે રાત્રે બનેલી આટલી મોટી અને ગંભીર ઘટના બાદ સામાન્ય રીતે તાબડતોબ એફઆઈઆર નોંધાતી હોય છે, પરંતુ આ કેસમાં હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. રાજકીય દબાણ હેઠળ મામલાને પોલીસ સ્ટેશન બહાર જ રફેદફે કરી ભીનું સંકેલવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લોકોમાં ફફડાટ વચ્ચે કાયદો-વ્યવસ્થા સામે સવાલો

જો જાહેરમાં ફાયરિંગ અને મારામારી જેવી ઘટનાઓ બનતી હોય અને રાજકીય વગના કારણે ગુનો નોંધાયા વિના જ મામલા દબાવી દેવાતા હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? તેવો વેધક સવાલ સ્થાનિક રહીશોમાં ઊઠી રહ્યો છે.ગઈકાલ રાતની આ ઘટનાને લઈને સમગ્ર હાથીખાના પંથકમાં અજંપાભરી શાંતિ છવાયેલી છે, જ્યારે પોલીસ તંત્ર આ મામલે ખરેખર શું બન્યું હતું તેની તપાસ કરી ગુનો દાખલ કરે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: Bhavnagar: ફુલસર વિસ્તારમાં માથાભારે શખ્સોની દાદાગીરી, જાહેર રોડ પર અનેક વાહનોમાં તોડફોડ કરી આતંક ફેલાવ્યો