ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં માનવભક્ષી દીપડાના સતત વધી રહેલા હુમલાઓએ શ્રમિક પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે મધ્યરાત્રિના સુમારે પરિવાર સાથે ગાઢ નિંદ્રામાં પોઢી રહેલા અઢી વર્ષના માસૂમ બાળકને દીપડો ઝૂંપડીમાંથી મોંઢામાં દબોચીને ઉઠાવી જતાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પરિવારે હિંમતભેર બૂમાબૂમ કરી પીછો કરતાં દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો, જેના કારણે બાળકનો જીવ માંડ બચ્યો છે.
રાત્રે ઝૂંપડીમાં ઘૂસી બાળકને દીપડો 200 મીટર ઢસડી ગયો
આ હૃદયદ્રાવક ઘટનાની મળતી વિગતો અનુસાર સુત્રાપાડા-ઉંબરી રોડ પર મૂળ મહારાષ્ટ્રના આશરે 50 જેટલા શ્રમિક પરિવારો કાચી ઝૂંપડીઓ બનાવીને વસવાટ કરે છે.રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ એક ખૂંખાર દીપડો શાંતિથી ઝૂંપડીમાં પ્રવેશ્યો હતો અને માતા-પિતાની વચ્ચે સૂતેલા રાજુભાઈ સોલંકીના અઢી વર્ષના પુત્ર રાજને જડબામાં પકડીને ઉઠાવી ગયો હતો.દીપડો માસૂમ બાળકને અંદાજે 200 મીટર દૂર અંધારામાં ઢસડી ગયો હતો.બાળકની ચીસ અને સળવળાટથી પરિવારજનો જાગી ગયા હતા અને જીવના જોખમે લાકડીઓ અને ટોર્ચ સાથે દીપડા પાછળ દોટ મૂકી હતી. પરિવારે ભારે હોબાળો મચાવતાં દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં ફેંકીને ઝાડીઓમાં ભાગી ગયો હતો.
