પાટણ જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અસામાજિક તત્વો અને બુટલેગરો ખાખી વર્દી સામે પણ બેફામ બન્યા છે. રાધનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દારૂ ભરેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરતાં બુટલેગરોએ ફિલ્મી ઢબે પોલીસ ગાડી પર ચાલુ વાહને દારૂની બોટલો ફેંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. SMC ની ટીમે જીવના જોખમે દિલધડક પીછો કરતાં ગભરાયેલા બુટલેગરે પૂરપાટ ઝડપે કાર હંકારી એસટી બસ સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. અકસ્માત બાદ બુટલેગરો ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસ પર બોટલો ફેંકી, બસ સાથે અથડાવી ગાડી મૂકી ભાગ્યા

ઘટનાની વિગતો અનુસાર, SMC ને બાતમી મળી હતી કે એક ફોર્ચ્યુનર કારમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો કટિંગ માટે લઈ જવાઈ રહ્યો છે. SMC ટીમે રાધનપુર-સમી હાઈવે પર શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવવા કોર્ડન કરતાં ચાલકે સ્પીડ વધારી દીધી હતી અને પીછો કરી રહેલી પોલીસ ટીમથી બચવા કારમાંથી કાચની દારૂની બોટલો રોડ તેમજ પોલીસ વાહન તરફ ફેંકી હતી. અંધાધૂંધ ભાગવાની લ્હાયમાં હાઈવે ચાર રસ્તા પાસે ફોર્ચ્યુનર કાર થરાદથી સોમનાથ તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત સર્જાતાં જ કારમાં સવાર બુટલેગરો રાતના અંધારાનો લાભ લઈને કાર સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. સદનસીબે એસટી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ક્રેટા કારની બનાવટી નંબર પ્લેટ અને ₹33.69 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં બુટલેગરોની ચાલાકી સામે આવી હતી.પોલીસ અને ટોલનાકા પરથી બચવા માટે લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર પર હ્યુન્ડાઈ ક્રેટા કારની બોગસ નંબર પ્લેટ લગાવેલી હતી. કારમાંથી પેટીઓમાં ભરેલો ₹8.69 લાખની કિંમતનો વિદેશી દારૂ તેમજ ₹૨૫ લાખની ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹33.69 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

દારૂની લાઇન ચલાવતા મુકેશ જોગાજી ઠાકોર સહિત 7 સામે ગુનો દાખલ

આ સમગ્ર પ્રકરણમાં બોર્ડર પરથી દારૂની નિયમિત ‘લાઇન’ ચલાવતા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.SMC ની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ મથકે કુખ્યાત લાઇન સંચાલક અને બુટલેગર મુકેશ જોગાજી ઠાકોર સહિત કુલ 7 શખ્સો સામે પ્રોહિબિશન, સરકારી ફરજમાં રૂકાવટ, અકસ્માત તેમજ બનાવટી દસ્તાવેજ/નંબર પ્લેટ ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરાયો છે.ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અને SMC દ્વારા અલગ-અલગ ટીમો બનાવી દરોડા તેજ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Kutch: માંડવીના ગંગાપર ગામે મહિલાઓ દ્વારા પંચગવ્ય ગોબર સ્નાનનું ઐતિહાસિક આયોજન