તાલાલા તાલુકામાં અકસ્માતોની શ્રેણી વચ્ચે રમરેચી ગામ નજીકથી પસાર થતાં માર્ગ પર વધુ એક રક્તરંજિત અકસ્માત નોંધાયો છે. મળતી માહિતી મુજબ, તાલાલા નજીકના જેપુર ગામનો નિવાસી યુવક અક્ષત સોલંકી પોતાની ફોર્ચ્યુનર કાર લઈને રમરેચી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કોઈ અગમ્ય કારણોસર કે વાહનની પૂરઝડપના લીધે ચાલકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
કાર વીજ કંપનીના પોલ સાથે અથડાઈ
અનિયંત્રિત બનેલી ફોર્ચ્યુનર કાર રોડ કિનારે ઉભેલા વીજ કંપનીના પોલ (થાંભલા) અને સબ-સ્ટેશનના મોટા વીજ ટ્રાન્સફોર્મર (ડીપી) સાથે ધડાકાભેર જઈ અથડાઈ હતી. આ અથડામણ એટલી પ્રચંડ હતી કે મોડી રાત્રે વિસ્તારમાં મોટો ધડાકો સંભળાયો હતો, જેના કારણે આસપાસના ગ્રામજનો અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો તુરંત જ મદદ અર્થે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
વીજ પોલ અને ટ્રાન્સફોર્મર સાથેની અથડામણમાં ફોર્ચ્યુનર કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે પિચાઈ ગયો હતો અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં ગંભીર રીતે ફસાયેલા ચાલક અક્ષત સોલંકીને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનો જીવ બચાવી શકાયો નહતો અને ઘટનાસ્થળે જ તેનું કમનસીબ મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત
બનાવની જાણ થતાં જ તાલાલા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અક્ષત સોલંકીના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે તાલાલાના સરકારી દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના આ સમાચાર મૃતકના ગૃહગામ જેપુરમાં પહોંચતાં જ અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોના ક્રંદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં 63 શંકાસ્પદ કેસમાંથી 12 દર્દીઓ પોઝિટિવ, અત્યાર સુધીમાં 9 માસુમ બાળકોના મોત