દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભેજવાળા હવામાનના કારણે રેટિયા માખી દ્વારા ફેલાતા ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કુલ 63 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પૂનાની વાયરોલોજી લેબોરેટરી અને રાજ્યની તપાસ ટીમો દ્વારા હાથ ધરાયેલા સેમ્પલ ટેસ્ટિંગમાં અત્યાર સુધીમાં 12 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ (પોઝિટિવ) થઈ છે.

રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ દર્દીઓ 

સૌથી દુઃખદ બાબત એ છે કે આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી વયના બાળકો પર ઝડપથી આક્રમણ કરતો હોવાથી, અત્યાર સુધીમાં સારવાર દરમિયાન 9 બાળ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો પંચમહાલ અને ખેડા જિલ્લામાં વાયરસનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો છે, જ્યાં બબ્બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેર-જિલ્લા સહિત અન્ય 5 જિલ્લાઓમાં પણ એક-એક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી અને લક્ષણો

ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયત અને મનપાના આરોગ્ય તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે. અસરગ્રસ્ત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. માટીના કાચા મકાનો, તિરાડો અને ઢોરના કોઢારોમાં રેતી માખીના ઉપદ્રવને અટકાવવા માટે મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ

તબીબોના જણાવ્યા મુજબ, ચાંદીપુરા વાયરસમાં બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, સતત ઉલટી થવી, બાળક સુસ્ત થઈ જવું, ભાન ભૂલવું કે શરીર ખેંચાવું (આંચકી આવવી) જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. જો બાળકમાં આમાંનું કોઈ પણ લક્ષણ દેખાય તો સ્થાનિક આશા વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કે ત્વરિત ધોરણે નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા વાલીઓને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના લીધે SSG માં 5 બાળકો પૈકી 3 ગંભીર, ગોત્રી હોસ્પિટલમાં 2 દર્દીઓની સ્થિતિ સ્થિર