મધ્ય ગુજરાતના મથક ગણાતા વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની સરકારી હોસ્પિટલોમાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત આસપાસના પંચમહાલ, ગોધરા સહિતના વિસ્તારોમાંથી નાના બાળકોને ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસના આંકડા અનુસાર, કુલ 7 શંકાસ્પદ બાળકો ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે સારવાર હેઠળ છે.
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સયાજી હોસ્પિટલ (SSG) ના ચાઇલ્ડ વોર્ડમાં દાખલ 5 દર્દીઓમાંથી 3 બાળકોની તબિયત અચાનક વધુ નાજુક બનતાં તેમને લાઈફ સપોર્ટ એટલે કે વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી છે. દાખલ થયેલા દર્દીઓમાં સાવલીનો એક ૨ વર્ષનો બાળક પણ સામેલ છે. બીજી તરફ, જીએમઇઆરએસ (GMERS) ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨ બાળકોની સ્થિતિ હાલ સુધારા પર અને સ્થિર બતાવવામાં આવી રહી છે.
શું છે ચાંદીપુરા વાયરસ?
ચાંદીપુરા વાયરસ (CHPV) મુખ્યત્વે 15 વર્ષથી નાની વયના બાળકોને લક્ષ્યાંક બનાવે છે. આ વાયરસ 'સેન્ડ ફ્લાય' (રેતી માખી) ના કરડવાથી ફેલાય છે. બાળકને અચાનક સખત તાવ આવવો, ઉલટી-ઉબકા થવા, બાળકની ચેતના ગુમાવવી (બેભાન થવું) કે આંચકી (ખેંચ) આવવી એ આ વાયરસના મુખ્ય લક્ષણો છે. વાયરસ મગજ પર ઝડપથી અસર કરતો હોવાથી સ્થિતિ ઝડપથી ગંભીર બની જાય છે.આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ, સાવલી અને ભાયલીના ગ્રામીણ વિસ્તારોમાં સેન્ડ ફ્લાય મિજ કંટ્રોલ માટે ડસ્ટિંગ અને મેલાથિયોન પાવડરનો છંટકાવ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. તબીબોએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકમાં તીવ્ર તાવ સાથે ખેંચ કે ઉલટીના લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી કે બાળરોગ નિષ્ણાત હોસ્પિટલમાં સંપર્ક કરવો.
આ પણ વાંચો: Patan: રાધનપુરમાં 36 લાખની ઉચાપતનો આરોપી લોકઅપમાં જલસાથી વાપરે છે મોબાઈલ ફોન, સીસીટીવી વાયરલ