ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા અને ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવાનો દાવો કરે છે, પરંતુ પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનથી સામે આવેલા દ્રશ્યોએ પોલીસ તંત્રની શિસ્ત પર મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. રાધનપુર તાલુકાના અગિચણા ગામની સેવા સહકારી મંડળીમાં રૂ. 36.25 લાખની મસમોટી રકમની હેરાફેરી અને ઉચાપત કરવાના ગંભીર ગુનામાં પકડાયેલા મંડળીના મંત્રી જહાભાઈ રબારીને રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ગુનેગારને જેલમાં ધકેલી કાયદાકીય સકંજો કસવાને બદલે રાધનપુર પોલીસે તેને લોકઅપમાં જ VIP સુવિધાઓ પૂરી પાડી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.

જેલમાં VIP સુવિધાઓ પૂરી પાડી 

મળતી માહિતી મુજબ, રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે કરવામાં આવેલી RTI અરજીમાં મોટો ધડાકો થયો છે. વાયરલ થયેલી સીસીટીવી ક્લિપમાં આરોપી જહા રબારી લોકઅપની અંદર કોઈ પણ પ્રકારના ખૌફ વગર બિન્દાસ્તપણે મોબાઈલ ફોન પર વાત કરતો અને મેસેજ ટાઇપ કરતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

તત્કાલીન PI સામે ગંભીર આક્ષેપ

RTI માંથી બહાર આવેલા સીસીટીવી અને વિગતો અનુસાર, રાધનપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ આર.કે. પટેલ દ્વારા આરોપીને લોકઅપમાં પૂરેપૂરી છૂટછાટ આપીને સાચવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. સામાન્ય નાગરિક કે નાના ગુનેગાર સામે કડક વલણ અપનાવતી પોલીસ હાઇપ્રોફાઇલ અને લાખોના કૌભાંડી આરોપીઓ સામે આટલી મહેરબાન કેમ બની તે મુદ્દો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ ઘટના સીસીટીવી ફૂટેજ સાથે સામે આવતા જ સ્થાનિકો અને અરજદારો દ્વારા અનેક તીખા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

1. લોકઅપ સુધી આરોપી પાસે સ્માર્ટફોન અને સિમકાર્ડ કોણે પહોંચાડ્યા?

2. શું લોકઅપ પહરા પર તૈનાત પોલીસ કર્મચારીઓ અને તત્કાલીન PI ની સંમતિ વગર આ શક્ય બની શકે?

3. ૩૬.૨૫ લાખની ઉચાપતના કેસમાં આરોપી લોકઅપમાંથી ફોન દ્વારા પુરાવા નાશ કરવા કે સાક્ષીઓને ધમકાવવા કાવતરું રચતો હતો કે કેમ?

પાટણ પોલીસની છબી ખરડાઈ

હાલ તો આ સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પાટણ પોલીસની છબી ખરડાઈ છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે આ મામલે પાટણ જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ IG દ્વારા તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કમિટી નીમવામાં આવે અને આરોપીને VIP ટ્રીટમેન્ટ આપનારા તત્કાલીન PI આર.કે. પટેલ સહિત જવાબદાર કન્સટેબલ અને લોકઅપ સંભાળતા પોલીસકર્મીઓ સામે કડક ખાતાકીય પગલાં ભરવામાં આવે.

આ પણ વાંચો: Surat: ઉધનામાં પાણી ભરાતાં ટ્રાફિકજામ, નવસારીમાં કાવેરી નદી ઓવરફ્લો અને દાહોદમાં મેઘમહેર