ક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજા તબક્કાનો પ્રારંભ થતાં જ સુરત શહેરમાં આકાશી આફત જેવા દ્રશ્યો સર્જાયા છે. સુરત શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા અવિરત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વેપારી અને ટ્રાફિકથી ધમધમતા ઉધના-નવસારી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીમાં અનેક દ્વિચક્રી અને ચાર-ચક્રી વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ પરિસ્થિતિને કારણે કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેનાથી સ્થાનિક મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે.

નવસારી જિલ્લામાં પણ વરસાદનું જોર યથાવત

બીજી તરફ, નવસારી જિલ્લામાં પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સ્થાનિક લોકમાતાઓના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. નવસારીના ચીખલી નજીકથી પસાર થતી કાવેરી નદીમાં ઉપરવાસમાંથી પ્રચંડ પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપના કારણે ચીખલીને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનાથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત નદીકાંઠે આવેલું ઐતિહાસિક તડકેશ્વર મહાદેવ મંદિર પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં સુરક્ષાના ભાગરૂપે લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે.

દાહોદમાં વાતાવરણમાં પલટો

દક્ષિણ ગુજરાત સાથે મધ્ય-પૂર્વ ગુજરાતના આદિવાસી બહુલ ધરાવતા દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. દાહોદના લીમડી તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે. લીમડી શહેર ઉપરાંત આસપાસના વરોડ, ટાંડી, કાળીમહુડી, મીરાખેડી, ડુંગરી, વાંકોલ તેમજ ખેડા અને કચુંબર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં પંથકના ખેડૂતોના સુકાઈ રહેલા પાકને સંજીવની મળી છે, જેથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર ડિમોલિશન ઓપરેશન પાછળ કુલ 2.73 કરોડનો ધૂમાડો, 27 લાખનું ભોજન બિલ પેન્ડિંગ