ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.આ બાબતે ખાપટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આજે ઉના પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે.  

ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં

શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના શિરે જવાબદારી છે,તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે.

ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો

ધોરણ 6થી 8માં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે તપાસ માટે ગીરસોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રી ડૉ.વાજાએ આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા સાથે સીધી વાત કરીને સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રને કડક કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે,આ શિક્ષકને તલાલા તાલુકાની રમળેચી પ્રાથમિક શાળા ખાતે આજે ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.  


આ પણ વાંચોઃ Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા