રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં સાત સાંસદો ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી અલગ થયેલા વધુ એક મોટા જૂથે ભગવો ધારણ કરી લીધો છે.આશરે દોઢ વર્ષ પહેલાં આપમાંથી બગાવત કરીને અલગ થયેલી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના તમામ 16 કોર્પોરેટરો શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાની હાજરીમાં આ વિલીનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.આ સાથે જ દિલ્હી નગર નિગમમાં ભાજપની પકડ વધુ મજબૂત બની ગઈ છે.
MCDમાં ભાજપ બહુમતીથી ઘણું આગળ
250 સભ્યોની દિલ્હી નગર નિગમમાં આ 16 કોર્પોરેટરોના આગમન સાથે જ ભાજપના સભ્યોની સંખ્યા વધીને 139 થઈ ગઈ છે.જ્યારે સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 123 કોર્પોરેટરો જ બચ્યા છે.વર્ષ 2022માં યોજાયેલી એમસીડી ચૂંટણીમાં ભાજપે માત્ર 104 બેઠકો જીતી હતી.પરંતુ સમય જતાં આપમાં ગાબડાં પડતાં ભાજપનું કદ સતત વધતું રહ્યું.આઈવીપીના કોર્પોરેટરોને પક્ષમાં આવકારતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,આ તમામ નેતાઓએ દિલ્હીના વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.આ એક બહુ સારો સંકેત છે અને હવે તેમના વોર્ડમાં વિકાસ કાર્યો ઝડપી બનશે. શહેરનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.
તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા
તે જ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ માહિતી આપી હતી કે, દોઢ વર્ષ પહેલાં જ્યારે મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલની આગેવાનીમાં આપ સરકારના નબળા વહીવટથી કંટાળીને આ જૂથ અલગ પડ્યું હતું ત્યારે IVP ની સ્થાપના થઈ હતી.આજે આ તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા છે.આઈવીપીના પ્રમુખ મુકેશ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે,અમે દોઢ વર્ષ સુધી ભાજપની કાર્યશૈલી જોઈ છે અને અમને સામૂહિક રીતે વિશ્વાસ છે કે સત્તાધારી પક્ષમાં જોડાવાથી અમારા વિસ્તારોનો વિકાસ ઝડપી બનશે.પક્ષમાં કોઈ પદ મેળવવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.નિગમમાં જે પણ ભૂમિકા અપાશે તે અમે દિલથી નિભાવીશું.
સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત થઈ શકે
MCDમાં આપ નેતૃત્વ સાથેના મતભેદો બાદ મે 2025માં આ 16 કોર્પોરેટરોએ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામે અલગ જૂથ બનાવ્યું હતું.આ નેતાઓ એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે આગામી વર્ષે જ એમસીડીની ચૂંટણીઓ યોજાવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાનાર મુકેશ ગોયલને MCDની કોઈ સ્પેશિયલ કમિટીના ચેરમેન બનાવવામાં આવી શકે છે. જ્યારે હેમચંદ ગોયલને સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?