ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક નાટકીય પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયા હતા અને તેજ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને કોડીનાર તાલુકાના ગીર બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અણધાર્યા આવેલા આ માવઠાના કારણે વાતાવરણમાં ભલે ઠંડક પ્રસરી ગઈ હોય, પરંતુ ખેતરોમાં ઊભેલા અને કાપણી કરીને સુકવવા મૂકેલા મગફળીના પાકને જબરદસ્ત ફટકો પડતાં જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે.
કોડીનારના ગીર કાંઠાના ગામોમાં કમોસમી વરસાદ
કોડીનાર પંથકના ઘાટવડ, કંટાળા, પાવટી, સાંઢળીધાર તેમજ આસપાસના જંગલ સરહદી ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અડધાથી પોણા કલાક સુધી વરસેલા તેજ વરસાદથી માર્ગો અને ગામની શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. ઉકળાટ બાદ વાતાવરણ ટાઢુંબોળ બન્યું હતું.
મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી
હાલમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગીર સોમનાથ પંથકમાં ખરીફ સીઝનની મુખ્ય ઉપજ એવી મગફળીની ઉપાડ (કાપણી) ચાલી રહી છે.ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં સુકવવા માટે પાથરા પાથર્યા હતા. અચાનક ખાબકેલા કમોસમી વરસાદના કારણે આ પાથરા પાણીમાં ગળાડૂબ પલળી ગયા છે.પાથરા પલળી જવાથી મગફળીમાં ફૂગ લાગવાની, દાણા કાળા પડી જવાની અને માલ સડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની ૨ દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં વાતાવરણમાં થયેલા પલટા વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: નકલી એપ ડાઉનલોડ કરાવી વેપારીના 57.92 લાખ સાફ કરી નાખ્યા! 15 રાજ્યોમાં 80 થી વધુ લોકોને શિકાર બનાવ્યા