શેરબજારમાં ટૂંકા ગાળામાં તોતિંગ અને ગેરંટેડ વળતર આપવાના બહાને નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી કરોડો રૂપિયાની ઠગાઈ આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ સિન્ડિકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે અમદાવાદ અને વડોદરામાંથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં જ આ ગેંગ દ્વારા દેશના 15 રાજ્યોમાં 80 થી વધુ લોકોને શિકાર બનાવાયા હોવાનું અને તેમના બેંક એકાઉન્ટ્સમાંથી ₹50 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનો પર્દાફાશ થયો છે. આ ગેંગનું નેટવર્ક છેક દુબઈ સુધી ફેલાયેલું છે.

નકલી એપ્સ ‘JB X One’ અને ‘ID-QSB’ થકી ₹57.92લાખ પડાવ્યા

 આરોપીઓ સોશિયલ મીડિયા પર શેર ટ્રેડિંગ અને આઈપીઓ અલોટમેન્ટના નામે જાહેરાતો મૂકી લોકોને ફસાવતા હતા. ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલમાં 'JB X One' અને 'ID-QSB' નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી હતી. એપની અંદર શેર ખરીદ-વેચાણનો બોગસ ડેશબોર્ડ બતાવી લાખોનો નફો થયો હોવાનું દર્શાવવામાં આવતું હતું. ફરિયાદી જ્યારે પોતાના રૂપિયા વિડ્રો કરવા જતો ત્યારે વધુ ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે પૈસા પડાવતા હતા. આ રીતે એક જ ફરિયાદી પાસેથી કટકે કટકે કુલ ₹57.92 લાખ પડાવી લીધા હતા.

30થી વધુ બેંક કિટ્સ મળી, ₹50 કરોડનું ટર્નઓવર

ઈસ્તિયાક રીયાવાલા (મુખ્ય આરોપી / કિંગપિન), ઈરફાન શેખ, સોહેબ જોજાવરવાલા, શેહઝાદ અજમેરવાલા મુખ્ય આરોપી ઈસ્તિયાક રીયાવાલા કમિશન આપી સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ્સ, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ કિટ્સ મેળવતો હતો. ત્યારબાદ આ તમામ કિટ્સ સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગ માટે હવાલા તેમજ અન્ય ડિજિટલ માધ્યમો થકી દુબઈ બેઠેલા હેન્ડલર્સને પહોંચાડવામાં આવતી હતી.જંગી પુરાવા જપ્ત: પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ૩૦થી વધુ બેંક ખાતાઓની કિટ્સ, ચેકબુકો, ડેબિટ કાર્ડ્સ અને મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

15 રાજ્યોમાં 80 થી વધુ ગુના દાખલ

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આ ચારેય આરોપીઓ સામે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન સહિત દેશના 15 થી વધુ રાજ્યોમાં 80 થી વધારે સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓના ખાતાઓમાં ₹50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ઈન્કમટેક્સ વિભાગને પણ આ મામલે જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Narmada: રાષ્ટ્રીય એકતા પરેડ 31 ઓક્ટોબરે સાંજે 5:30 કલાકે, વડાપ્રધાને દેશવાસીઓને જોડાવા પાઠવ્યું આમંત્રણ