દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે 31 ઓક્ટોબર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી ઐતિહાસિક ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ના કાર્યક્રમ સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે વહેલી સવારે યોજાતી આ પરેડ આ વર્ષે સવારના બદલે સાંજે 5:30 કલાકે આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીલડી સભા મંચ પરથી આ અંગે સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર દેશવાસીઓને દેશભરમાં યોજાનારી ‘રન ફોર યુનિટી’માં ઉત્સાહભેર ભાગ લેવા તેમજ સાંજે યોજાનાર આ ભવ્ય રાષ્ટ્રીય મહોત્સવ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું.

સવારના બદલે સાંજે 5:30 કલાકે શૌર્ય અને શિસ્તનું પ્રદર્શન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં આ વખતે સુરક્ષા દળોનું માર્ચ-પાસ્ટ અને શૌર્ય પ્રદર્શન સાંજના આહલાદક વાતાવરણમાં યોજાશે. સુરક્ષા બળોના બેન્ડ્સ, ટેબ્લો અને કલ્ચરલ પ્રસ્તુતિઓ સાથે સાંજે ૫:૩૦ કલાકે કાર્યક્રમ શરૂ થશે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (CRPF, BSF, CISF, ITBP), વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ અને એનસીસી કેડેટ્સ દ્વારા સરદાર સાહેબની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સમક્ષ ગાર્ડ ઓફ ઓનર અને માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવશે.સરદાર પટેલની જયંતિ નિમિત્તે દેશના ખૂણે-ખૂણે સવારથી ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) નું આયોજન થશે, જેમાં કરોડો યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો સહભાગી બની અખંડ ભારતના સંકલ્પને દોહરાવશે.

પીએમ મોદીનું દેશવાસીઓને ભાવભર્યું આમંત્રણ

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની સ્મૃતિમાં આયોજિત આ પરેડ ભારતની સંપ્રભુતા, એકતા અને સુરક્ષાનું પ્રતીક છે. આ ભવ્ય આયોજન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી પરંતુ દેશના ૧૪૦ કરોડ નાગરિકોને એક તાંતણે બાંધતો ઉત્સવ છે. દેશવાસીઓ ઘરબેઠા પણ ટીવી તેમજ ડિજિટલ માધ્યમો દ્વારા આ ગૌરવવંતી ક્ષણોના સાક્ષી બને તેવી અપીલ તેમણે કરી છે.

આ પણ વાંચો: Narmada: એકતાનગરમાં અદ્યતન શૂલપાણેશ્વર ઘાટનું નિર્માણ પૂર્ણ, સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ઘાટની મુલાકાતે