વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ધરાવતા એકતાનગરના પ્રવાસન વૈભવમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. પવિત્ર યાત્રાધામ શૂલપાણેશ્વર ખાતે આવેલા નર્મદા ઘાટને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા રૂપિયા 15.10 કરોડના જંગી ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું સ્વરૂપ આપી અપગ્રેડ કરવામાં આવ્યો છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર પહોંચી રહ્યા છે ત્યારે તેઓ આ નવનિર્મિત અને અત્યંત રમણીય ઘાટ ખાતે આયોજિત ભવ્ય નર્મદા મહાઆરતીમાં વિશેષ ઉપસ્થિત રહી મા નર્મદાની પૂજા-અર્ચના કરશે.
લાલ રેતીના પથ્થરો અને સુંદર શિલ્પોથી ઘાટનું કાયાકલ્પ
સમગ્ર શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું નિર્માણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાલ રેતીના પથ્થરો (Red Sandstone) થી કરવામાં આવ્યું છે, જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય વારસાની અનુભૂતિ કરાવે છે.ઘાટની દીવાલો પર માં નર્મદાના પ્રાગટ્ય, પવિત્રતા અને ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા અદભુત ભીંતચિત્રો (Murals) તેમજ કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે.હજારો યાત્રાળુઓ એકસાથે બેસીને નર્મદા આરતીના દર્શન કરી શકે તે માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા, સલામત સ્નાન ઘાટ, આધુનિક લાઈટિંગ અને સુરક્ષા રેલિંગ્સ ઊભી કરવામાં આવી છે.
