સુરતમાં સાડીઓ અને ડ્રેસ મટીરિયલમાં વપરાતા હોટ ફિક્સિંગ (સ્ટોન અને પ્લાસ્ટિક વર્ક) ના વેસ્ટ કચરામાં વારંવાર લાગતી આગ અને તેનાથી સર્જાતા જીવલેણ વાયુ પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકા (SMC) એ આખરે કાયમી અને નક્કર ઉકેલ શોધી કાઢ્યો છે. શહેરના ઔદ્યોગિક વિસ્તારો તેમજ ખુલ્લા પ્લોટોમાં ફેંકી દેવાતા હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના યોગ્ય અને કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા અદ્યતન 'બેલિંગ મશીનો' કાર્યરત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કચરાને બેલિંગ પ્રોસેસ દ્વારા કોમ્પ્રેસ કરી કાયદેસર રીતે એક ખાનગી કંપનીને સોંપવામાં આવશે.
4 બેલિંગ મશીનથી શરૂઆત
સુરતના જે વિસ્તારોમાં હોટ ફિક્સિંગ યુનિટ્સ વધુ આવેલા છે અને જ્યાં મોટાપાયે કચરો રોડ પર કે પ્લોટોમાં ઠલવાય છે, તેવા વિસ્તારોને ઓળખીને પ્રાથમિક તબક્કે ૪ જેટલા બેલિંગ મશીનો સ્થાપિત કરવામાં આવશે. શહેરમાંથી દૈનિક ધોરણે નીકળતો આશરે 11 મેટ્રિક ટન જેટલો હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ આ મશીનો દ્વારા કોમ્પેક્ટ (બેલિંગ) કરવામાં આવશે. આગામી સમયમાં આ વ્યવસ્થાને વધુ વિસ્તારીને બેલિંગ મશીનોની સંખ્યા 8 થી 10 સુધી લઈ જવાનું મનપાનું આયોજન છે.
