સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ પ્લેટફોર્મ નંબર 4 પરથી લોહીલુહાણ અને શંકાસ્પદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા સફાઈ કર્મચારીના મૃતદેહના રહસ્ય પરથી રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં પડદો ઉંચકી લીધો છે. આ કોઈ કુદરતી કે અકસ્માતી મોત નહીં પરંતુ સોચી-સમજીને કરાયેલી હત્યા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રેલવે સ્ટેશન પર ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા સંચાલકે મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરીની આશંકા રાખી સફાઈકર્મીને ઢોરમાર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સ્ટોલ ચાલક આકાશ રતન ડાયમાની ધરપકડ કરી લીધી છે.
ચોરીની શંકા રાખી બેરહમીથી માર માર્યો
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા નીતિન ઠક્કરનો મૃતદેહ ગંભીર ઈજાઓ સાથે મળી આવતાં રેલવે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે રેલવે સ્ટેશન પર સ્ટોલ ચલાવતા આકાશ રતન ડાયમાનો મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ગુમ થયા હતા. આ ચોરી નીતિન ઠક્કરે જ કરી હોવાની આશંકા રાખીને આકાશે તેને પકડીને બેરહમીપૂર્વક ઢોરમાર માર્યો હતો.માર એટલો ઘાતકી હતો કે ગંભીર આંતરિક અને બાહ્ય ઈજાઓને કારણે સફાઈકર્મી નીતિન ઠક્કરે પ્લેટફોર્મ પર જ પ્રાણ ત્યાગી દીધા હતા.
