સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ફતેપુરા ચાર રસ્તા પાસેથી એક શખ્સ પોતાની કારનું આગળનું ટાયર નીકળી ગયું હોવા છતાં માત્ર લોખંડની રીમ પર વાહન દોડાવતો ઝડપાયો છે. દારૂના ભારે નશામાં ચૂર આ ચાલકને કારનું ટાયર નથી તેનું પણ ભાન નહોતું. રાત્રિ પેટ્રોલિંગમાં રહેલી પોલીસની નજર શંકાસ્પદ રીતે ધસતી આ કાર પર પડતાં તુરંત તેને અટકાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ચાલક ગળાડૂબ પીધેલો હોવાનો પર્દાફાશ થયો હતો.

લોખંડની રીમ ઘસાતી રહી ને નશાખોર કાર હંકારતો રહ્યો

વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા ફતેપુરા ચાર રસ્તા પાસેથી એક કાર વિચિત્ર અવાજ સાથે પસાર થઈ રહી હતી. કારનું આગળનું એક ટાયર સંપૂર્ણપણે નીકળી ગયું હતું અને વાહન માત્ર લોખંડની વ્હીલ-રીમ પર રોડ સાથે ઘસાતું આગળ વધી રહ્યું હતું. લોખંડ ડામર સાથે ઘસાવાના કારણે તણખા અને અવાજ સર્જાઈ રહ્યા હતા.પોલીસે સમયસૂચકતા દાખવી: વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કાફલાને શંકાસ્પદ હિલચાલ જણાતાં પીછો કરીને કારને કોર્ડન કરી રોકી લેવામાં આવી હતી.

કરણસિંગ ચૌહાણ નશામાં ધૂત નીકળ્યો

કારમાંથી નીચે ઉતારવામાં આવતાં ચાલકની ઓળખ કરણસિંગ ચૌહાણ તરીકે થઈ હતી.પૂછપરછ દરમિયાન તે સીધો ઊભો પણ રહી શકતો નહોતો અને તેના મોંમાંથી દારૂની તીવ્ર વાસ આવી રહી હતી. મેડિકલ તપાસમાં તે દારૂના ભારે નશામાં હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસે નશાખોર ચાલક કરણસિંગ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વ્હીકલ એક્ટની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Una: કોડીનારની બે સગીરાઓને ઉનાવા દરગાહમાં રાખી બુરખો પહેરાવ્યો, કલમા પઢાવ્યા; મૌલવી સહિત 4 સકંજામાં!