ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાંથી બે સગીર વયની કિશોરીઓનું કથિત રીતે ધર્મપરિવર્તન કરાવવાના એક અત્યંત ચકચારી અને સનસનીખેજ કાવતરાનો પર્દાફાશ થયો છે. કોડીનારની બે સગીરાઓને ફોસલાવીને અને લાલચ આપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે આવેલી દાતારબાપુની દરગાહમાં લઈ જઈ ત્રણ દિવસ સુધી રાખીને ધર્માંતરણ કરાવ્યાની ગંભીર ફરિયાદ કોડીનાર પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે કોડીનાર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉનાવા દરગાહના મૌલવી સહિત ત્રણ પુખ્ત વયના આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને રાઉન્ડઅપ કરી લીધા છે. પોલીસે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, પોક્સો (POCSO), એટ્રોસિટી એક્ટ અને નવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે.
ઉનાવા દરગાહમાં 3 દિવસ રાખી કલમા પઢાવ્યાનો આરોપ
આક્ષેપ મુજબ, બંને સગીરાઓને હિન્દુ ધર્મ છોડવા માટે વિવિધ લાલચો આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને મહેસાણાના ઉનાવા સ્થિત દાતારબાપુ દરગાહમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેમના મૂળ નામ બદલાવી દેવામાં આવ્યા હતા અને બુરખો પહેરાવી દેવાયો હતો. દરગાહમાં ત્રણ દિવસ સુધી સગીરાઓને રોકી રાખીને મૌલવી દ્વારા કલમા પઢાવવામાં આવ્યા હતા તેમજ નમાજ પઢવાની ફરજ પાડી વિધિવત ધર્મપરિવર્તન કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સગીરાઓ હેમખેમ પરત ફર્યા બાદ પરિવારજનો સમક્ષ આપવીતી વર્ણવતાં સમગ્ર હિચકારા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો અને પરિવારે સીધો પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
