ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લોહણા મહાજન વાડી ગલી વિસ્તારમાં આવેલા સોમનાથ એપાર્ટમેન્ટની અગાશી પર લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરની કેબિનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રહેણાક વિસ્તારની ઇમારત પર બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની પ્રાથમિક આશંકા
મળતી માહિતી મુજબ, એપાર્ટમેન્ટની અગાશી પર બનેલી મોબાઇલ ટાવરની કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક રહીશો એલર્ટ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી, સમયસર આગ પર કાબૂ
ઘટનાની જાણ થતાં જ વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને આગ આજુબાજુના મકાનોમાં ફેલાતી અટકાવી હતી.

વેરાવળ સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા જણાવ્યું હતું કે, મોબાઇલ ટાવરની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. ફાયર ટીમ દ્વારા સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સદનસીબે મોટી જાનહાનિ ટળી, તપાસ ચાલુ
રહેણાક વિસ્તારની ઇમારત પર આગ લાગવા છતાં ફાયર ટીમની સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક કે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Gir Somnath News : વેજ ઝોન જાહેરનામાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ, બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો અનામત