પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભીડિયા સર્કલથી લઈને શંખ સર્કલ સુધીના ચોક્કસ વિસ્તારને 'વેજ ઝોન' જાહેર કરવાના સરકારી આદેશ સામે મોટો વિવાદ ઊભો થયો છે. આ જાહેરનામાને પડકારતી અરજી સ્થાનિક 6 નોનવેજ રેસ્ટોરન્ટ માલિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીમાં વેપારીઓએ સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવી કાનૂની દાદ માંગી છે, જેના પગલે કાયદાકીય અને સામાજિક સ્તરે આ કેસ ભારે ચર્ચામાં આવ્યો છે.
આજીવિકાના અધિકાર વિરુદ્ધ ધાર્મિક આસ્થા
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારો (રેસ્ટોરન્ટ માલિકો) વતી દલીલ કરવામાં આવી હતી કે તેઓ છેલ્લા 35 વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. અચાનક વેજ ઝોન જાહેર કરવાથી તેમના બંધારણીય વેપાર અને આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. આ સામે સરકારી વકીલે અરજદારોની મંશા પર સવાલો ઉઠાવતા સ્પષ્ટ કર્યું હતું કે, આ વિસ્તાર વર્ષ 2018 થી જ વેજ ઝોન તરીકે જાહેર થયેલો છે. આ ઉપરાંત, આ રસ્તો મુખ્ય ધાર્મિક માર્ગ હોવાથી અહીંથી લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તોની સતત અવરજવર રહે છે, જેથી તેમની ધાર્મિક લાગણી જાળવવી જરૂરી છે.
