ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના મહેસૂલી તલાટીઓની વિવિધ કામગીરી અને જવાબદારીઓ અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવા જોબચાર્ટ દ્વારા મહેસૂલી તલાટીઓએ કયા કામો કરવાના રહેશે અને કયા કામો અન્ય વિભાગો હસ્તક રહેશે તે અંગેની સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી કામગીરીમાં પારદર્શિતા આવશે અને તલાટીઓ વચ્ચે ચાલતી દ્વિધાનો અંત આવશે.
કૃષિ રાહત પેકેજ, આપત્તિ સરવે અને ફાર્મર રજિસ્ટ્રીની જવાબદારી
સરકારના નવા પરિપત્ર અનુસાર, કોઈપણ કુદરતી આપત્તિ સમયે કે કૃષિ રાહત પેકેજની જાહેરાત વખતે રચવામાં આવતી સરવે ટીમમાં મહેસૂલી તલાટી સભ્ય તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત, કુદરતી આપત્તિ સમયે વાવેતર અંગેના દાખલાઓ પણ તલાટી દ્વારા જ આપવામાં આવશે. ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત લાભાર્થીઓની વિગતો ચકાસીને તેને માન્ય રાખવાના (એપ્રુવર તરીકેના) અધિકારો પણ મહેસૂલી તલાટીને જ સોંપવામાં આવ્યા છે.

