ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં વેપારીઓ દ્વારા ડિજિટલ લેણદેણ પર ઝીંકાનાર સંભવિત ભારણને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વેરાવળ વેપારી એસોસિએશનના બેનર હેઠળ મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થઈને યુપીઆઈ વ્યવહારો પર પ્રસ્તાવિત MDR ચાર્જ સામે મેદાનમાં આવ્યા છે અને અનોખો વિરોધ નોંધાવ્યો છે.
કાળા કપડા બાંધી સ્કેનર ઢાંકીને પ્રતિકાત્મક વિરોધ
આ વિરોધના ભાગરૂપે વેરાવળના બજારોમાં અનેક દુકાનો પર વેપારીઓએ પોતાની દુકાનોમાં લગાવેલા ક્યૂઆર કોડ (UPI સ્કેનર) પર કાળું કપડું બાંધીને પ્રતિકાત્મક વિરોધ પ્રગટ કર્યો હતો. બજારોમાં અનેક દુકાનોના સ્કેનર કાળા કપડાથી ઢંકાયેલા જોવા મળ્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે, યુપીઆઈ પર એમડીઆર ચાર્જ લાદવાથી નાના અને મધ્યમ વેપારીઓની કમાણી પર સીધી અસર પડશે.

રોકડ વ્યવહારોને પ્રાધાન્ય અને એકસંપ
વિરોધ પ્રદર્શનના આ એક દિવસ દરમિયાન વેપારીઓએ યુપીઆઈ મારફતે પેમેન્ટ સ્વીકારવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું અને ગ્રાહકો સાથે માત્ર રોકડ વ્યવહારોને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. વેરાવળના તમામ વેપારીઓએ એકજૂથ થઈને સરકાર અને સંબંધી તંત્ર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે, આ પ્રકારના ચાર્જથી ડિજિટલ ઈન્ડિયાના વેગને પણ ગ્રહણ લાગી શકે છે.

વેપારીઓની માગ અને ચિંતા
વેપારી એસોસિએશનના જણાવ્યા મુજબ, જો UPI વ્યવહારો પર MDR ચાર્જ લાગુ કરવાની દરખાસ્ત પર પુનઃવિચાર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ તો વેરાવળમાં વેપારીઓ દ્વારા કરાયેલા આ અનોખા વિરોધની ચર્ચા સમગ્ર જિલ્લામાં જોરશોરથી ચાલી રહી છે.
આ પણ વાંચો: Gir Somnathમાં ગંભીર માર્ગ અકસ્માત, સુત્રાપાડા-ધામળેજ રોડ પર બોલેરોએ બાઈકને લીધું અડફેટે, ચાલક ગંભીર!