ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-ધામળેજ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી બોલેરો ગાડી અને બાઈક વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા.

બોલેરો ચાલક અકસ્માત સર્જી ફરાર

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિકોએ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સુત્રાપાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત સ્થળનું પંચનામું કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માત સર્જીને નાસી છૂટેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને સીસીટીવી કેમેરા અને પ્રત્યક્ષદર્શીઓના આધારે ફરાર બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Sabarkantha સાંસદ શોભના બારૈયાએ વંદે ભારત ટ્રેનના કર્યા વધામણા, ટ્રેનમાં સવાર થઈ શામળાજી મંદિરે ચડાવી ધ્વજા