ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અને વેપારીઓ માટે આજનો દિવસ અત્યંત હર્ષ અને ઉત્સાહનો સાબિત થયો છે. કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવે દ્વારા સુરત અને ઉદયપુર રૂટ પર અતિઆધુનિક 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી આ હાઈ-સ્પીડ ટ્રેનના આગમનને લઈને સ્થાનિક રહીશો અને મુસાફરોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાએ કર્યા વધામણા, શામળાજી મંદિરે ચડાવી ધ્વજા

વંદે ભારત ટ્રેન સાબરકાંઠા જિલ્લામાં પહોંચતાં જ લોકસભા સાંસદ શોભના બારૈયા, સ્થળ પર હાજર ધારાસભ્યો અને વિવિધ પદાધિકારીઓ દ્વારા ટ્રેનનું ભવ્ય સ્વાગત અને વધામણા કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ પોતે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેનમાં સવાર થઈને તેઓ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શામળાજી મંદિરના શિખર પર ધ્વજા ચડાવી હતી.

સમય અને ભાડાની બચત, વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ

આ નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાથી સુરત, સાબરકાંઠા અને રાજસ્થાનના ઉદયપુર વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે. અતિઆધુનિક સુવિધાઓ અને સસ્તી મુસાફરીને કારણે મુસાફરોના નાણાં અને સમય બંનેની બચત થશે. આ રૂટ પર ટ્રેન શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચેનો વેપાર-ધંધો ખીલશે અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે. સાંસદ શોભના બારૈયાએ આ મહત્વપૂર્ણ રેલ સુવિધા આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Patanના સાંસદ ભરતસિંહજી ડાભીની રેલવે મંત્રીને રજૂઆત, સાબરમતી-કટોસણ ટ્રેનને રણુંજ સુધી લંબાવવા માગ!