ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.નવા કેસના ઉમેરા સાથે હાલ જિલ્લામાં આ બીમારીના કુલ 5 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.જોકે,રાહતના સમાચાર એ પણ છે કે અત્યાર સુધીમાં સારવાર મેળવી રહેલા દર્દીઓમાંથી 7 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે.

ગોધરામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા

પંચમહાલના જિલ્લા મથક ગોધરાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 7 શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે.આ તમામ 7 દર્દીઓના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 3 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે.હજુ પણ 2 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી હોવાથી તે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.

રોગચાળા સામે સાવચેત રહેવા અપીલ

આ જીવલેણ વાયરસની ગંભીરતા દર્શાવતી બાબત એ છે કે જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી અત્યાર સુધીમાં 2 પોઝિટિવ દર્દીઓના કમકમાટીભર્યા મોત નોંધાઈ ચૂક્યા છે.ચાંદીપુરાને કારણે થયેલા આ બે મોતના પગલે તંત્ર દ્વારા સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તકેદારી અને દવાનો છંટકાવ તેજ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને પણ આ રોગચાળા સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: રથયાત્રા દરમિયાન 41 ઈમરજન્સી કેસ, 3 લોકોનો અકસ્માત અને 15 જણા બેભાન થયા