નવા વર્ષના પાવન પર્વે જ્યારે લોકો પરિવાર સાથે મંદિરે દર્શન કરી ઉત્સાહ મનાવી રહ્યા હતા, ત્યારે ગોંડલ પંથકમાંથી કાળજું કંપાવી દેતી હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક આવેલા કષ્ટભંજન દેવના મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી એક બેફામ થાર કારે રસ્તો ક્રોસ કરી રહેલી માતા-પુત્રીને જોરદાર અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં માત્ર 3 વર્ષની માસૂમ બાળકી હવામાં આશરે 30 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. તહેવારના દિવસે જ પરિવારની એકની એક વહાલસોઈ દીકરીનું અકાળે મોત થતાં પરિવારમાં હૈયાફાટ રુદન અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
દર્શન કરી પરત ફરતી વખતે કાળ ત્રાટક્યો
નવા વર્ષના અવસરે પરિવાર ભોજપરા સ્થિત કષ્ટભંજન દેવના મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન પતાવીને મંદિરથી આશરે 200 મીટર દૂર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જ સામેથી મોત બનીને આવેલી પૂરપાટ ઝડપી થાર કારે માતા-પુત્રીને અડફેટે લીધા હતા.થાર કારની સ્પીડ એટલી પ્રચંડ હતી કે ટક્કર વાગતાં જ ૩ વર્ષની બાળકી ક્રિવા જયભાઈ મકવાણા હવામાં ઉછળીને આશરે 30 ફૂટ દૂર રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક બાઈક પર બેસાડી નજીકની હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. જોકે, હોસ્પિટલના બિછાને સારવાર શરૂ થાય તે પહેલાં જ માસૂમ ક્રિવાએ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ થાર કારનો ચાલક ઈજાગ્રસ્ત બાળકીની મદદ કરવાને બદલે કે ઊભા રહેવાને બદલે પૂરપાટ ઝડપે વાહન ભગાવીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
