ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વન્યજીવો ખાસ કરીને સાવજોની અવારનવાર થતી લટાર વચ્ચે વધુ એક વખત માનવ વસ્તીમાં સિંહો ઘૂસી આવ્યા હોવાની ચિંતાજનક ઘટના સામે આવી છે. વેરાવળ તાલુકાના ખંઢેરી ગામમાં મોડી રાત્રિના સુમારે આખો સિંહ પરિવાર લટાર મારતો જોવા મળતાં સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારની શેરીઓમાં પહોંચેલા સાવજોને કારણે બાંધેલા પશુઓમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. ગામની શેરીઓમાં નિર્ભયપણે આંટાફેરા મારી રહેલા આ સિંહ પરિવારનો વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લેતાં હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

શિકારની શોધમાં માનવ વસ્તી તરફ વળ્યા સાવજ

ખંઢેરી ગામમાં રાત્રિના અંધારામાં સિંહ પરિવાર અચાનક ગામના પાદર અને રહેણાંક મકાનો નજીક આવી ચડ્યો હતો. સિંહોની ગંધ પારખી જતાં ગાય-ભેંસો અને કૂતરાઓમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખંઢેરી તેમજ આસપાસના સીમ વિસ્તારોમાં લાંબા સમયથી સિંહોએ કાયમી ધામા નાખ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શિકાર અને પાણીની શોધમાં સિંહો વારંવાર સીમમાંથી ગામના રહેણાંક વિસ્તારો તરફ ધસી આવે છે.

માલધારીઓ માટે હવે જીવનું જોખમ 

 રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત કરવા જતા ખેડૂતો અને માલધારીઓ માટે હવે જીવનું જોખમ ઊભું થયું છે. અચાનક સિંહ સામે આવી જવાની દહેશત વચ્ચે ખેડૂતો રાત્રે સીમમાં જતાં પણ ડરી રહ્યા છે.ગ્રામજનોએ આ મામલે ગીર સોમનાથ વનવિભાગને તાત્કાલિક જાણ કરી છે અને ગામની આસપાસ નિયમિત નાઈટ પેટ્રોલિંગ વધારવા તેમજ સિંહોને માનવ વસ્તીથી દૂર જંગલ કે સુરક્ષિત સીમ વિસ્તાર તરફ ખદેડવા માટે પાંજરા મૂકવા સહિતની રજૂઆત કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: નૂતન વર્ષ સ્નેહમિલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૌત્ર વચ્ચે સુંદર ક્ષણ, પૌત્ર સ્ટેજ પરથી હાથ પકડી નીચે લઈ ગયો