ગોંડલ શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પ્રત્યે પોલીસ પ્રશાસન કેટલું ગંભીર છે તેનો જીવતોજાગતો પુરાવો ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસે પૂરો પાડ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા આઈકોનિક રોડ પરથી બે યુવતીઓ બજારમાંથી ખરીદી કરીને પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન ગોંડલના જ રાજનગર વિસ્તારમાં રહેતો 30 વર્ષીય કુલદીપ ભરતભાઈ પટોડિયા નામનો શખ્સ પોતાની એક્ટિવા લઈને તેમની પાછળ પડી ગયો હતો. આ રોમિયોએ ગુલમહોર રોડ સુધી યુવતીઓનો પીછો ચાલુ રાખ્યો હતો અને ચાલુ વાહને જ યુવતીઓ તરફ જોઈને અશ્લીલ ઈશારા કરવા સહિત બિભત્સ અવાજો કાઢી હેરાન પરેશાન કરી મૂકી હતી.
પરિવાર અને પોલીસનું ત્વરિત કદમ
આવારા તત્વની આ હરકતથી ગભરાઈ જવાને બદલે યુવતીઓએ હિંમત દાખવી હતી અને ઘરે પહોંચીને તુરંત જ પોતાના વાલીઓને આ અંગે વિગતવાર વાત કરી હતી. દીકરીઓની સુરક્ષા જોખમાતા પરિવારે પણ સેજ પણ સમય બગાડ્યા વિના સીધા ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. મહિલા ઉત્પીડન અને છેડતીના કેસની ગંભીરતા સમજીને પીઆઈ સહિતની ટીમે તાત્કાલિક અલગ-અલગ રૂટના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં એક્ટિવા નંબર ટ્રેક થતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કુલદીપ પટોડિયાને તેના ઘરેથી દબોચી લીધો હતો અને તેનું વાહન જપ્ત કર્યું હતું.
