ગોંડલના આઈકોનિક રોડ પર યોજાયેલા લોકમેળામાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસાવતી સનસનાટીભરી ઘટના સામે આવી હતી. મેળામાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા વેપારી સંચાલકો પર અજાણ્યા શખ્સોએ અચાનક તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ભયાનક હુમલામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું, જેને પગલે મેળામાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
લોકમેળા હત્યા કેસમાં મોટો પર્દાફાશ
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને રાજકોટ રૂરલ SP વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા આદેશ અપાયા હતા. રાજકોટ રૂરલ LCB અને ગોંડલ A-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ટૂંકા સમયમાં મુખ્ય હુમલાખોર રાહુલ રાજુ ડોડિયા સહિત સમીર સુમરા, અલ્ફાજ શેખ, નવાજ દોઢિયા, અસફાખ જુનેજા અને ૩ સગીરો મળી કુલ 8 આરોપીઓની અટકાયત કરી લીધી હતી.
