વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા થુવાવી ગામે મોડી રાત્રે એક ભયાનક અને કૌતુક સર્જે તેવી ઘટના સામે આવી હતી. થુવાવી ગામના સ્થાનિક તળાવમાંથી આશરે 11 ફૂટ જેટલો મહાકાય મગર અચાનક બહાર નીકળી આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગ પર લટાર મારવા લાગ્યો હતો.

મહાકાય મગર રસ્તા પર આવી ચડ્યો

રાત્રિના સમયે રસ્તા પર આટલો મોટો મગર જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોએ ત્વરિત સમયસૂચકતા વાપરીને આ અંગેની જાણ વન વિભાગને કરી હતી.બનાવની માહિતી મળતાં જ વન વિભાગની ટીમ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો તાત્કાલિક થુવાવી ગામે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વન જીવ સંરક્ષણ ટીમ દ્વારા ભારે સાવચેતી અને ટેકનિકલ પદ્ધતિથી આ ૧૧ ફૂટના મગરને દોરડા અને રેસ્ક્યૂ સાધનો વડે કાબૂમાં લઈને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો.

વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનનું રેસ્ક્યૂ

રેસ્ક્યૂ બાદ મગરનું વન વિભાગ દ્વારા પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં મગર સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત જણાતો હતો. જેથી સ્થાનિક રહીશોની સુરક્ષા અને મગરના સંરક્ષણને ધ્યાનમાં રાખીને તેને રહેણાક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણ તથા તેના આવાસમાં મુક્ત કરવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Mehsana: નંદાલી ગામની સીમમાં કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ પર ફાયરિંગ, દેશી બંદૂકમાંથી છોડેલી ગોળી કમરમાંથી આરપાર નીકળી