મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી ગંભીર ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના નંદાલી ગામના વતની અને ખેરાલુ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ કનુજી ઉદાજી પરમાર મોડી સાંજના સુમારે પોતાના ઘરેથી ખેતરમાં ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે નંદાલી ગામની સીમમાં (મિયાસણ નજીક) અજાણ્યા શખ્સે તેમની સામે દેશી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું.
નંદાલી ગામની સીમમાં દેશી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું
https://twitter.com/sandeshnews/status/2098329940878102731
નંદાલી ગામની સીમમાં કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ પર ફાયરિંગ
ફાયરિંગ દરમિયાન ધાણીફૂટ ગોળી કનુજી પરમારની ડાબી બાજુ કમરના ભાગે વાગીને શરીરની આરપાર નીકળી ગઈ હતી. ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં પડેલા કનુજીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
દેશી બંદૂકમાંથી છોડેલી ગોળી કમરમાંથી આરપાર નીકળી
બનાવની જાણ થતાં જ ખેરાલુ પોલીસ સ્ટેશનનો કાફલો, મહેસાણા એલસીબી (LCB) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડોગ સ્ક્વોડની મદદથી સીમ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં નાકાબંધી કરવામાં આવી હતી.અત્યાર સુધીની ત્વરિત તપાસ દરમિયાન પોલીસે ૩ શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરી કસ્ટડીમાં લીધા છે. આ ફાયરિંગ પાછળનું કારણ અંગત મનદુઃખ, જૂની રંજિશ કે અન્ય કોઈ રાજકીય બાબત છે તે અંગે પોલીસ દ્વારા અટકાયત કરાયેલા શખ્સોની ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat: શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી જીત્યો વિશ્વાસ; બાદમાં 25 લાખનો માલ લઈ ગાયબ