સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ખેડૂતોની જીવાદોરી સમાન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની ઐતિહાસિક અને મબલખ આવક નોંધાઈ છે. દિવાળીના તહેવારો બાદ લાભપાંચમ ખુલતાની સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ ઉમટી પડ્યા હતા. યાર્ડ પરિસરમાં એક જ દિવસમાં અધધ... 1.25 લાખ ગુણી મગફળીની આવક થતાં આખું માર્કેટિંગ યાર્ડ મગફળીના પાથરાઓથી છલકાઈ ગયું હતું. ભારે ધસારાને પગલે ગોંડલ નેશનલ હાઈવે પર બંને બાજુ અંદાજે 1700થી વધુ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ હતી કે યાર્ડ પ્રશાસને અંદર જગ્યા ન બચતાં આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક સદંતર બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી હજારો ખેડૂતો ટ્રેક્ટર, આઈશર અને ટ્રક લઈને ગોંડલ પહોંચ્યા હતા. યાર્ડના બંને ગેટની બહાર નેશનલ હાઈવે પર 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.રસ્તા પર 1700થી વધુ લોડિંગ વાહનો આવી પહોંચતાં થોડા સમય માટે હાઈવે પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને પોલીસ તેમજ યાર્ડના સિક્યુરિટી સ્ટાફે ટ્રાફિક નિયમન માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.યાર્ડનું વિશાળ ગ્રાઉન્ડ મગફળીની ગુણીઓથી સંપૂર્ણ પેક થઈ જતાં અને હરાજીની કામગીરી સરળતાથી ચાલે તે હેતુથી યાર્ડ સત્તાધીશોએ સત્તાવાર પરિપત્ર બહાર પાડીને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળી લાવવા પર સદંતર પ્રતિબંધ મૂકી દીધો છે.
