ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર વધુ એક કંપારી છૂટી જાય તેવો ગંભીર અકસ્માત સર્જાયો છે. જામવાડી જીઆઈડીસી નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને ટ્રોલી વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે ટ્રોલી ટ્રકની આગળની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માત બાદ સ્ટીયરિંગ અને તૂટેલા પતરાં વચ્ચે ટ્રોલીનો ચાલક લોહીલુહાણ હાલતમાં અંદર જ ભીંસાઈ જતાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર ફાઈટર રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કટર તેમજ જેક જેવા આધુનિક સાધનોની મદદથી 30 મિનિટ સુધી ભારે જહેમત ઉઠાવી પતરાં ચીરીને ડ્રાઈવરને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો.

અકસ્માતમાં 30 મિનિટનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ગોંડલ-જેતપુર માર્ગ પર જામવાડી નજીકથી પસાર થતી વખતે બંને ભારે વાહનો સામસામે કે આગળ-પાછળ ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રોલી ટ્રકની આગળની કેબિન પતરાંની જેમ દબાઈને સાંકડી થઈ ગઈ હતી.ડ્રાઈવર સ્ટીયરિંગ અને ડેશબોર્ડ વચ્ચે બંને પગ અને કમરથી દબાઈ ગયો હતો. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવ વચ્ચે તે બહાર નીકળી શકે તેમ નહોતો. ગોંડલ ફાયર સ્ટાફે રેસ્ક્યુ વાન સાથે પહોંચીને સ્પ્રેડર અને કટરની મદદથી કેબિનના લોખંડી પતરાંને કાપ્યા હતા. આશરે 30 મિનિટ સુધી ચાલેલા દિલધડક ઓપરેશન બાદ ગંભીર હાલતમાં ચાલકને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.

નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો

અકસ્માત એટલો વિકરાળ હતો કે બંને વાહનો રસ્તાની વચ્ચે જ ફસાઈ જતાં નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા/શહેર પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ટ્રોલીને રસ્તાની બાજુમાં ખસેડી પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો હતો તેમજ અકસ્માત કયા સંજોગોમાં અને કોની બેદરકારીથી સર્જાયો તે અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: સરાઝા હોટલમાં દારૂ પાર્ટી કેસમાં આરોપીઓને છોડાવવા ડેકોરા ગ્રુપના ડ્રાઈવરે જામીનદાર મોકલ્યો, પકડાયેલા નબીરાઓને છોડાવવા લોબિંગ તેજ