કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલનો મામલો સતત ગરમાઈ રહ્યો છે. પોલીસ કાર્યવાહી બાદ હવે ઝડપાયેલા ધનાઢ્ય બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નબીરાઓને પોલીસ સકંજામાંથી મુક્ત કરાવવા તેમજ જામીન અપાવવા માટે પડદા પાછળ જોરદાર લોબિંગ અને દોડધામ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ડેકોરા ગ્રુપ સાથે સંકળાયેલા આરોપીઓને છોડાવવા માટે જામીન આપવા પહોંચેલા હિતેશ પટેલ નામના સજ્જને મીડિયા સમક્ષ ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈ મોટા નેતા કે ઉદ્યોગપતિના કહેવાથી નહીં, પરંતુ ડેકોરા ગ્રુપના ડ્રાઈવરના ફોન અને ભલામણના આધારે અહીં જામીનદાર બનવા આવ્યા છે.

ડ્રાઈવરના એક ફોન પર જામીનદાર હાજર

જામીન આપવા આવેલા હિતેશ પટેલે સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો કર્યો હતો.હિતેશ પટેલે જણાવ્યું કે, "ઉદ્યોગપતિના ડ્રાઈવરનો મને જામીન માટે ફોન આવ્યો હતો. ડ્રાઈવરની ભલામણથી હું ડેકોરા ગ્રુપના લોકોને છોડાવવા અને જામીન આપવા માટે પોલીસ મથકે આવ્યો છું." જામીનદાર બનવા આવેલા હિતેશ પટેલે કાયદાનું ભાન કરાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં દારૂબંધી છે અને અહીં દારૂ પીવો એ કાયદેસરનો ગુનો છે, કોઈએ દારૂ પીવો ન જોઈએ."તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કેસમાં શહેરના નામાંકિત, વગદાર અને હાઈપ્રોફાઈલ લોકો સંકળાયેલા હોવાના કારણે સમગ્ર મામલો આટલો બધો ચર્ચાની એરણે ચડ્યો છે.

પડદા પાછળ મોટી ગોઠવણની ચર્ચા

શહેરના અગ્રણી બિલ્ડરો અને બિઝનેસમેનો ખુદ સામે આવવાના બદલે પોતાના કર્મચારીઓ અને ડ્રાઈવરો મારફતે જામીનદારોની ગોઠવણ કરાવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સામાન્ય રીતે પ્રોહિબિશનના કેસમાં પકડાયેલા આરોપીઓ માટે સગા-સંબંધીઓ આગળ આવતા હોય છે, ત્યારે આ કેસમાં ડ્રાઈવરના કહેવાથી સજ્જનો જામીન આપવા પહોંચતાં સમગ્ર મામલો રહસ્યમય અને શંકાસ્પદ બન્યો છે.પોલીસ દ્વારા આ કેસમાં તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને જામીન આપવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: Rajkot: સરાઝા હોટલમાં દારૂ પીરસનારા 15 કેટરર્સ ઝડપાયા; 38 સામે ગુનો, છતાં હોટલ બુક કરાવનારનું નામ કેમ ગાયબ?