રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી વધુ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલના અતિ વ્યસ્ત ગણાતા કપુરીયા ચોક નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા એક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા બાઇકે સૌપ્રથમ પાન પાર્લર પાસે ઊભેલા ૧૫ વર્ષીય સગીરને જોરદાર અડફેટે લીધો હતો અને ત્યારબાદ સીધું નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ૨૫ વર્ષીય બાઇક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે નિર્દોષ સગીર ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

પાન પાર્લરે ઠંડું પીણું લેવા ઊભેલા સગીર પર કાળ ત્રાટક્યો

ગોંડલના કપુરીયા ચોક ખાતે આવેલા 'રાજબાઈ પાન' પાર્લર નજીક નૂતન વર્ષના દિવસે આ કરૂણ દુર્ઘટના ઘટી હતી. ગોંડલના પ્રમુખનગરમાં રહેતા ૨૫ વર્ષીય મહિપાલભાઈ રણજીતભાઈ વાળા પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી બેઠા હતા.પાન પાર્લર પાસે ઠંડું પીણું લેવા ઊભેલો અમદાવાદનો ૧૫ વર્ષીય સગીર, જે ગોંડલમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો, તે અચાનક પૂરપાટ ઝડપે આવેલા બાઇકની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘવાયો હતો.

બાઇક લોખંડના પોલ સાથે ધડાકાભેર અથડાયું

સગીરને ઉડાવ્યા બાદ બાઇક સીધું રોડ સાઈડ પર રહેલા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના લોખંડના પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા.અકસ્માતમાં ગંભીર રીતે લોહીલુહાણ થયેલા મહિપાલભાઈ વાળાને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 15 વર્ષીય સગીરને તાબડતોબ વિશેષ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ ગોંડલ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંંચો: Gondal: ભોજપરા પાસે કાર ચાલકે 3 વર્ષની બાળકીને 30 ફૂટ દૂર ફંગોળી; એકની એક દીકરીના મોતથી પરિવારમાં કલ્પાંત