ગોંડલ અને કોટડાસાંગણી હાઇવે પર ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે વધુ બે માસૂમ અને તેજસ્વી કળીઓ ખીલતા પહેલા જ કરમાઈ ગઈ છે. કોટડાસાંગણી ખાતે રહેતો અને બે ભાઈઓમાં મોટો એવો 15 વર્ષીય દર્શીત ચૌહાણ ગોંડલ શહેરમાં કમ્પ્યુટરના ક્લાસ કરતો હતો. ક્લાસ પૂરા કરીને તે ગોંડલના સહજાનંદ નગરમાં રહેતા તેના સગા મામાના ઘરે ગયો હતો. ત્યાંથી તે પોતાના ૧૨ વર્ષના ફોઈના દીકરા હેમેન્દ્ર ઇન્દ્રજીતભાઈ પરમાર સાથે એક્ટિવા મોપેડ બાઇક લઈને કોટડાસાંગણી પોતાના ઘરે જવા નીકળ્યો હતો.

ગોંડલ હાઇવે પર કાળમુખો અકસ્માત

બંને ભાઈઓ હજુ ગોંડલ-કોટડાસાંગણી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારના ચાલકે એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને બાળકો એક્ટિવા સહિત રોડ પર પટકાયા હતા અને શરીરે ગંભીર અને જીવલેણ ઈજાઓ થવાના કારણે બંનેએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. કાળમુખી કારની ટક્કરથી એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ગમખ્વાર ટક્કરમાં 2 સગીર ભાઈઓના કરુણ મોત

પરિવાર પર આભ તૂટ્યું: આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલો 12 વર્ષનો હેમેન્દ્ર ધોરણ-5 માં અભ્યાસ કરતો હતો અને તે પોતાના પરિવારનો એકનો એક પુત્ર હતો. જ્યારે 15 વર્ષીય દર્શીત કમ્પ્યુટરનો હોંશિયાર વિદ્યાર્થી હતો. એકના એક વહાલસોયા પુત્ર અને ભાણેજના અકાળે અવસાનના સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી પથ્થર હૃદયના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

દીકરાઓના મોતથી પરિવારો પર આભ તૂટ્યું

ઘટનાની જાણ થતાં જ આસપાસના વાહનચાલકોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલા સહિતનો પોલીસ કાફલો તુરંત હાઇવે પર દોડી આવ્યો હતો અને રોડ વચ્ચે પડેલા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હેમેન્દ્રના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ અને દર્શીતના મૃતદેહને કોટડાસાંગણી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યા છે. પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Bharuch: ગાર્ડન સિટી રોડ પર બે સગી બહેનો પર જીવલેણ હુમલો, મુખ્ય દંપતીની ધરપકડ