સૌરાષ્ટ્રના અગ્રણી એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક અને ઐતિહાસિક આવક થતાં સમગ્ર યાર્ડ ડુંગળીના કટ્ટાઓથી ઉભરાઈ ગયું છે. યાર્ડમાં અંદાજે 2 લાખથી વધુ કટ્ટા ડુંગળીની આવક નોંધાતા સમગ્ર યાર્ડ પરિસર છલોછલ ભરાઈ ગયું છે. ડુંગળી ભરેલા 2,000 થી વધુ વાહનો એકસાથે ઉમટી પડતાં યાર્ડની બહાર બંને બાજુ 6 થી 7 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ છે, જ્યારે હજુ પણ 500 થી 700 જેટલા વાહનો યાર્ડમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને વેચાણ અર્થે પહોંચ્યા હતા. યાર્ડમાં આવતી ડુંગળી 'સુપર ડ્રાય' અને ઉત્તમ ક્વોલિટીની હોવાથી પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ (MP) અને ઉત્તરપ્રદેશ (UP) સહિતના રાજ્યોના વેપારીઓ મોટા પાયે ખરીદી કરવા ઉમટ્યા છે. હરાજીમાં ખેડૂતોને 20 કિલોના ₹200 થી લઈને ₹800 સુધીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રોમાં ભારે ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો.
