સુરતના કતારગામ વિસ્તારમાં સ્થાનિક લોકોની સતર્કતા અને પોલીસની સમયસર કામગીરીના કારણે એક મહિલાનો જીવ બચી ગયો હોવાની ઘટના સામે આવી છે. કતારગામના જેરામ મોરાની વાડી સ્થિત વાટલિયા સમાજની વાડીના ગેટ પાસે પાર્ક કરેલી એક ફોર-વ્હીલ કાર અંદરથી લોક થઈ જતાં એક મહિલા અંદાજે 3 કલાક સુધી કારની અંદર બંધ રહી હતી.

મહિલા ત્રણ કલાક સુધી બંધ કારમાં ફસાઈ રહી

મળતી વિગતો અનુસાર, કાર અંદરથી લોક થઈ જવાના કારણે મહિલા બહાર નીકળી શકી ન હતી અને અંદાજે ત્રણ કલાક સુધી બંધ કારમાં ફસાઈ રહી હતી. આ દરમિયાન આસપાસના સ્થાનિક લોકોનું ધ્યાન કાર તરફ જતાં તેઓને ઘટનાની જાણ થઈ હતી અને તાત્કાલિક કતારગામ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

કારનો કાચ તોડીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી

ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પોલીસે સમય બગાડ્યા વિના કારનો કાચ તોડીને અંદર ફસાયેલી મહિલાને હેમખેમ બહાર કાઢી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને મહિલાને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્થાનિકોની જાગૃતિ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો: Surat: SMC હેલ્થ સેન્ટરની લિફ્ટમાં સગર્ભા મહિલા સહિત 4 વ્યક્તિ ફસાયા, ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી