હાલોલ ખાતે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો પોક્સો (POCSO) એક્ટ હેઠળનો 20 વર્ષીય ગંભીર ગુનાનો આરોપી પોલીસને થાપ આપીને કસ્ટડીમાંથી નાસી છૂટ્યો છે. આરોપીએ વોશરૂમ જવાનું બહાનું કાઢી, બારીની લોખંડની ગ્રીલ તોડી બહારની ડ્રેનેજ પાઇપના સહારે નીચે ઉતરીને પલાયન થઈ જતાં સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
મેડિકલ ચેકઅપ માટે કોર્ટના હુકમથી હાલોલ લવાયો હતો
બનાવની વિગતો અનુસાર, સગીરા સાથેના દુષ્કર્મ અને છેડતી જેવા અતિ સંવેદનશીલ કેસમાં પકડાયેલા આરોપીને નિયમાનુસાર પ્રક્રિયા હેઠળ લાવવામાં આવ્યો હતો.દાહોદ જિલ્લાના ઝાલોદનો રહેવાસી આશિષભાઈ હિતેશભાઈ વસૈયા (ઉં.વ. 20) પોક્સો હેઠળના ગુનામાં ઝડપાયો હતો.અદાલતી કાર્યવાહી અંતર્ગત કોર્ટના આદેશથી તેના જરૂરી તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) માટે તેને હાલોલ ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.આરોપીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ વિભાગની સ્ટાફ ચેમ્બરમાં સુરક્ષા જાપ્તા હેઠળ રાખવામાં આવ્યો હતો.
વોશરૂમનું બહાનું કાઢ્યું અને પાઇપના સહારે ફિલ્મી ઢબે ભાગ્યો
આરોપીએ પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને પલાયન થવાનો પૂર્વ આયોજિત કારસો રચ્યો હતો.સર્વેલન્સ ચેમ્બરમાં હાજર સ્ટાફ સમક્ષ આરોપી આશિષ વસૈયાએ લઘુશંકા (વોશરૂમ) જવાનું બહાનું કર્યું હતું.વોશરૂમમાં પ્રવેશતાં જ તેણે અંદરથી બારીની લોખંડની ગ્રીલ પર જોર લગાવી તેને તોડી નાખી હતી.બારીમાંથી બહાર નીકળી દીવાલ પર લાગેલી પાઇપ પકડીને સડસડાટ નીચે ઉતરી ગયો હતો અને ચારેતરફ નજર કરી ક્ષણવારમાં રફુચક્કર થઈ ગયો હતો.ખાસ્સો સમય વીતી જવા છતાં આરોપી બહાર ન આવતાં સ્ટાફે તપાસ કરતાં બારી તૂટેલી જોઈને પોલીસ કર્મીઓના હોશ ઊડી ગયા હતા.
પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો
પોલીસ સ્ટેશનના સીધા જાપ્તામાંથી આ રીતે આરોપીનું ભાગી છૂટવું એ તંત્રની ઘોર બેદરકારી તરફ ઈશારો કરે છે.પોક્સો જેવા બિનજામીનપાત્ર અને ગંભીર કેસના આરોપી પર વોશરૂમ જતી વખતે પૂરતી નજર કે ગાર્ડ કેમ ન રાખવામાં આવ્યો?પોલીસ મથકના સંવેદનશીલ હિસ્સામાં બારીની ગ્રીલ એટલી નબળી કેમ હતી કે આરોપી તેને સહેલાઈથી તોડી શક્યો?આ ગંભીર ક્ષતિ બદલ ફરજ પર હાજર જવાબદાર પોલીસકર્મીઓ સામે ખાતાકીય પગલાં તોળાઈ રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં નવો લેબર કોડ વિવાદના વમળમાં; કામદારો અને વકીલોના અધિકારો પર તરાપનો આરોપ