રાજ્યમાં ભાડા વિધેયક (ટેનન્સી એક્ટ) ના વિવાદ વચ્ચે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા નવા લેબર કોડ (New Labour Codes) સામે કાનૂની આલમ અને શ્રમિક સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ‘લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશન’ અને વિવિધ ટ્રેડ યુનિયન એસોસિએશન્સ દ્વારા નવા લેબર કોડની વિવાદાસ્પદ જોગવાઈઓ સામે ખુલ્લો મોરચો માંડવામાં આવ્યો છે. લેબર કોર્ટના ન્યાયાધીશો પાસે રહેલી ન્યાયિક સત્તાઓ વહીવટી અધિકારીઓને સોંપવાના વિરોધમાં રાજ્યભરની લેબર કોર્ટોના વકીલો કામકાજથી અળગા રહ્યા હતા, જેના પગલે સેંકડો કેસોની સુનાવણી અટકી પડી હતી.
જજની ન્યાયિક સત્તા ડેપ્યુટી લેબર કમિશનરને સોંપાઈ
વકીલો અને યુનિયનોના વિરોધનું મુખ્ય કારણ નવા કાયદા હેઠળ સત્તાનું વિકેન્દ્રીકરણ અને વહીવટી અધિકારીઓને અપાતી અસીમિત સત્તાઓ છે.નવા લેબર કોડની જોગવાઈ અનુસાર, અત્યાર સુધી લેબર કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર કે ન્યાયાધીશ પાસે રહેલી અર્ધન્યાયિક અને ન્યાયિક સત્તાઓ હવે ડેપ્યુટી લેબર કમિશનર તેમજ સમકક્ષ વહીવટી અધિકારીઓને સોંપવાનો નિર્ણય કરાયો છે.લીગલ એક્સપર્ટ્સનું માનવું છે કે વહીવટી અધિકારીઓ સરકારના તાબા હેઠળ કામ કરતા હોવાથી તેઓ કામદારો અને માલિકો વચ્ચેના વિવાદમાં તટસ્થ ન્યાયિક ભૂમિકા ભજવી શકશે નહીં.ન્યાયતંત્રથી સત્તા આંચકીને વહીવટી બાબુઓને સોંપવાથી ન્યાયપ્રણાલીનું અવમૂલ્યન થશે અને કામદારોના બંધારણીય અધિકારો જોખમાશે તેવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
