મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચોમાસાના પ્રારંભિક અને ત્યારબાદ પડેલા ભારે વરસાદે ધરતીપુત્રોની આશા પર પાણી ફેરવી દીધું છે. તાલુકાના ઈગોરાળા અને મયાપુર ગામની સીમમાં આવેલા ખેતરોમાં નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા હતા. ખેતરો તળાવમાં ફેરવાઈ જતાં પાકના મૂળિયાં કોહવાઈ ગયા હતા.
ભારે વરસાદે ધરતીપુત્રોની આશા પર પાણી ફેરવી દીધું
https://twitter.com/sandeshnews/status/2084939568713994240
હળવદમાં ખેતરમાં ઉભો પાક સુકાયો
હવે જ્યારે કાળઝાળ તાપ વચ્ચે ખેતરોમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે, ત્યારે વાસ્તવિક અને ભયાનક ચિત્ર સામે આવ્યું છે. સતત પાણીમાં ડૂબેલા રહેવાના કારણે ખેતરોમાં ઉભેલો કપાસ, મગફળી અને એરંડાનો લીલોછમ પાક તદ્દન સુકાઈને કાળો પડી ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ બંને ગામોની સીમમાં જ આશરે 2,000 વીઘાથી વધુ જમીનમાં વાવેતર સાવ નષ્ટ થઈ ચૂક્યું છે.
પાક પોતાની નજર સામે જ નાશ
મોંઘાદાટ બિયારણ, ખાતર, ખેડ અને મજૂરીનો મોટો ખર્ચ કરીને મહામહેનતે ઉગાડેલો પાક પોતાની નજર સામે જ નાશ પામતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક તરફ ખેતીનો જૂનો ખર્ચ માથે પડ્યો છે અને બીજી તરફ પાક નિષ્ફળ જતાં હવે ફરીથી નવેસરથી વાવણી કરવી પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને પગલે ખેડૂતો માટે 'પૈડાં પર પાટુ' જેવો ઘાટ સર્જાયો છે.
ધરતીપુત્રોની આશા પર પાણી ફેરવી દીધું
ઈગોરાળા અને મયાપુરના ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતાં જણાવ્યું છે કે, જો સમયસર સરકારી અધિકારીઓ દ્વારા નુકસાનીનો સ્થળ પર જઈને આંકડો મેળવવામાં નહીં આવે તો ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જશે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને કૃષિ વિભાગ પાસે માગ કરી છે કે હળવદના આ બંને ગામોમાં તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સર્વે ટીમ મોકલીને વળતર આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.
આ પણ વાંચો: Rajkot: ચાંદીપુરા વાયરસગ્રસ્ત 3 માસના બાળકને રજા અપાઈ, 2 શંકાસ્પદ બાળકોમાં 1 વેન્ટિલેટર પર