હાલ સાબરડેરીના ચેરમેનની નિયુક્તિ બાબતે ચાલી રહેલા રાજકીય અને સહકારી વિવાદો વચ્ચે હવે પશુપાલકોના આર્થિક પ્રશ્નો પણ ગરમાયા છે. દૂધના ખરીદ ભાવમાં વધારો કરવા અને પશુદાણમાં સતત વધી રહેલા ભાવો પર નિયંત્રણ લાવવા બાબતે અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબરડેરી ખાતે પહોંચ્યા હતા. વિવાદો વચ્ચે પશુપાલકો રજૂઆત અર્થે પહોંચતા સહકારી વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

બાયડ પશુપાલકોએ સાબરડેરીના MDને મળી કરી રજૂઆત

મળતી વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના 20 જેટલા પશુપાલકોનું પ્રતિનિધિ મંડળ સાબરડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું. ખાસ વાત એ છે કે આ રજૂઆતમાં પુરુષોની સાથે મહિલા પશુપાલકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તમામ પશુપાલકોએ સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) સાથે મુલાકાત કરીને પોતાના પડતર પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી દાણના ભાવ વધારા સામે દૂધના ભાવો નહિવત હોવાનો આક્રોશ

સાબરડેરીના MD સમક્ષ રજૂઆત કરતા પશુપાલકોએ પોતાની આર્થિક વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પશુદાણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે દૂધના ખરીદ ભાવમાં નહિવત વધારો કરવામાં આવ્યો છે. દૂધમાં પૂરતો ભાવ વધારો ન થવાના કારણે પશુપાલકોને મોંઘા ભાવનું દાણ ખરીદવું અત્યંત ભારે પડી રહ્યું છે અને પશુપાલનનો વ્યવસાય કરવો મુશ્કેલ બન્યો છે. આથી, પશુપાલકોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ પશુપાલકો દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Dwarka: માંજલપુરથી દ્વારકા પગપાળા યાત્રા સંઘની અતૂટ શ્રદ્ધા, દ્વારકાધીશને સોનાની અમૂલ્ય ભેટ અર્પણ