સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરમાં પાલિકા તંત્ર દ્વારા ગંભીર અકસ્માતો નિવારવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. હિંમતનગર પાલિકા હવે પૂરી રીતે એક્શન મોડમાં આવી ગઈ છે અને શહેરમાં વર્ષો જૂના અને જોખમી બનેલા બાંધકામો સામે લાલ આંખ કરી છે, જેના કારણે મકાન માલિકોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
42 જેટલા જર્જરિત મકાનો અને દુકાનોને નોટિસ
પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગર પાલિકા કચેરી દ્વારા શહેરમાં સર્વે હાથ ધરીને કુલ 42 જર્જરિત મકાનો અને દુકાનોને સત્તાવાર રીતે નોટિસ ફટકારવામાં આવી છે. હિંમતનગર શહેરના રામજી મંદિર વિસ્તાર તેમજ ટાવર રોડ નજીક અને મુખ્ય માર્ગોની આસપાસ આવેલા આ બાંધકામો અત્યંત ભયજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. ચોમાસા કે અન્ય સમયે આ મકાનો ધરાશાયી થવાની મોટી સંભાવના રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને પાલિકાએ આ પગલું ભર્યું છે.

7 દિવસમાં જાતે બાંધકામ દૂર કરવા આદેશ
પાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ ફરમાન કરવામાં આવ્યું છે કે, માલિકોએ આગામી 7 દિવસમાં આ જર્જરિત અને અતિ જોખમી બાંધકામ જાતે જ દૂર કરી લેવું. જો નિર્ધારિત સમયમર્યાદામાં મકાન કે દુકાનના માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા તંત્રના ખર્ચે કડક કાર્યવાહી હાથ ધરીને આ બાંધકામો તોડી પાડવામાં આવશે.

પાલિકા અધિનિયમ કાયદા હેઠળ લેવાશે કડક નિર્ણય
એકસાથે 42 જેટલા ભયજનક બાંધકામોને નોટિસ મળતા હિંમતનગરના વેપારીઓ અને મકાન માલિકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હિંમતનગર નગરપાલિકા તંત્ર દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ કાયદાની જોગવાઈઓ હેઠળ આ જર્જરિત બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પ્રજાની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પાલિકાની આ કડક કામગીરીથી શહેરમાં અનિચ્છનીય બનાવ બનતા અટકાવી શકાશે.

આ પણ વાંચો - Sabarkantha News: ટેન્ડર મેળવવા નકલી બેંક ગેરંટી બનાવનાર સામે 5.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ